મુલુંડમાં કરિયાણાનો વ્યવસાય કરતા ગુજરાતી વેપારી પાસે છેલ્લાં ૧૭ વર્ષથી કામ કરતા નોકરને વેપારીએ ૧૦ લાખ રૂપિયા ઘરે પહોંચાડવા માટે આપ્યા હતા, જે તેણે રસ્તામાં ત્રણ લોકોએ લૂંટી લીધા હોવાની માહિતી માલિકને આપી હતી. આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ પછી પોલીસે જે વિસ્તારમાં ઘટના બની હોવાનો દાવો કર્યો હતો ત્યાં તપાસ કરતાં આરોપી નોકરે સ્ટોરી તૈયાર કરી હોવાનું સામે આવ્યું હતું. છેવટે પોલીસે વધુ તપાસ કરતાં નોકરે જ પોતાના મિત્ર પાસે ૧૦ લાખ રૂપિયા રાખ્યા હતા જે પોલીસે રિકવર કરીને આરોપીની ધરપકડ કરી હતી.
મુલુંડ-વેસ્ટમાં ગોરેગામ લિન્ક રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને મુલુંડ-વેસ્ટમાં એમ. જી. રોડ પર શિવશક્તિ જનરલ સ્ટોરના માલિકે કરેલી ફરિયાદ અનુસાર તેમની પાસે છેલ્લાં ૧૭ વર્ષથી કામ કરતા જોધારામ ગુજરને શનિવારે સવારે એન. એસ. રોડ પર ધન્વંતરિ હૉસ્પિટલ નજીક એક પાર્ટી પાસેથી ૧૦ લાખ રૂપિયા લેવા માટે મોકલવામાં આવ્યો હતો અને પૈસા ક્લેક્ટ કરીને ઘરે આપવા માટે કહેવામાં આવ્યું હતું. દરમ્યાન બપોરે સાડાબાર વાગ્યે જોધારામનો માલિકને ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે હું સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી ત્રણ યુવાનો રિક્ષામાં આવ્યા હતા. તેઓ સ્કૂટર આગળ રિક્ષા રોકી, મને ધમકાવીને સ્કૂટરની ડિકીમાં પડેલા ૧૦ લાખ રૂપિયા જબરદસ્તીથી લઈને ત્યાંથી ઐરોલી તરફ નાસી ગયા હતા. ત્યાર બાદ આ ઘટનાની જાણ મુલુંડ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટરએ કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તરત તપાસ પર લાગી ગયા હતા. એમાં ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. ફરિયાદી દ્વારા વર્ણન કરાયેલી કોઈ રિક્ષા સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં દેખાઈ નહોતી એટલે અમે જેની સાથે આ ઘટના બની હતી તેની વધુ તપાસ કરી ત્યારે તેણે પૈસા પોતાના મિત્રના ઘરે રાખ્યા હોવાનું કબૂલ્યું હતું. અમે તરત તેના મિત્રના ઘરે જઈને ચોરી થયેલા ૧૦ લાખ રૂપિયા રિકવર કર્યા છે. એ સાથે આરોપી નોકર જોધારામની પણ ધરપકડ કરી હતી.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w