માટુંગામાં રહેતા ૮૦ વર્ષના કચ્છી રિયલ એસ્ટેટ બ્રોકરને અજાણી મહિલાનો ફોન આવ્યો હતો, જેણે પોતાની જગ્યા ભાડે આપવાની હોવાનું કહીને રિયલ એસ્ટેટ બ્રોકરને પોતાની જગ્યા બતાવવા માટે વિડિયો-કૉલ કર્યો હતો. દરમ્યાન સામેવાળી મહિલાએ રિયલ એસ્ટેટ બ્રોકરનો વિડિયો બનાવી લીધો હતો અને એ પછી તેને પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવીને આશરે ૮ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ વધુ પૈસાની માગણી કરવામાં આવતાં માટુંગા પોલીસ સ્ટેશનમાં ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
માટુંગા સેન્ટ્રલના ભાઉ દાજી રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને રિયલ એસ્ટેટ બ્રોકરનો વ્યવસાય કરતા ૮૦ વર્ષના રમેશ સત્રા (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર ૧૧ માર્ચે તેમને ડૉ. માનસી જૈન નામની મહિલાનો ફોન આવ્યો હતો, જેણે પોતાની પરેલની જગ્યા વેચવાની હોવાનું કહીને જગ્યા બતાવવા માટે રમેશને વિડિયો-કૉલ કર્યો હતો, જેમાં સામેથી કંઈ ન દેખાતાં રમેશે વિડિયો-કૉલ બંધ દીધો હતો. જોકે એના બે દિવસ બાદ માનસીનો પાછો ફોન આવ્યો હતો, જેમાં તેણે કહ્યું કે તમારો અશ્લીલ વિડિયો મારી પાસે આવી ગયો છે જે ડિલીટ કરવા માટે તરત દોઢ લાખ રૂપિયા આપો, નહીં તો યુટ્યુબ પર હું વિડિયો અપલોડ કરી દઈશ. જોકે આ ધમકી પર ફરિયાદીએ ખાસ ધ્યાન ન આપતાં ૨૦ માર્ચે વિક્રમ રાઠોડ નામની એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખ સાઇબર પોલીસ તરીકે આપી હતી. રમેશભાઈનો વિડિયો પોતાને મળ્યો હોવાનું કહીને તેણે અલગ-અલગ કારણ આપી રમેશભાઈ પાસેથી આશરે ૮ લાખ રૂપિયા પડાવ્યા હતા, જે પછી પણ બીજા પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવતાં તેમણે પોતાના ભત્રીજાને ઘટનાની જાણ કરી હતી અને માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
માટુંગા પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદની અમે નોંધ કરીને તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ છેતરપિંડીમાં ગુમાવેલા પૈસા તેના ઓળખીતાઓ પાસેથી ઉધાર લીધા હોવાની માહિતી પણ અમને મળી છે. જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એની માહિતી અમે વહેલી તકે કઢાવવાની કોશિશ કરી રહ્યા છીએ.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz