મુલુંડ રહેતા સિનિયર સિટિઝન દંપતીને હોસ્પિટલમાં એડ્મિટ કરતાં તેમની સારવાર માટે રાખેલા કેર ટેકરે ઘર અને કબાટની ડુપ્લિકેટ ચાવી બનાવીને ૧.૩૮ કરોડ રૂપિયાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી. આરોપી કૅર ટેકર છેલ્લાં ૬ વર્ષથી સિનિયર સિટિઝનના ઘરે કામ કરતો હતો અને તેણે એ જ બિલ્ડિંગના વૉચમૅન સાથે ચોરીનો પ્લાન બનાવીને રાતે ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પકડીને તેની પાસેથી તમામ માલમતા રિકવર કરી છે.
મુલુંડ-વેસ્ટના કસ્તુરબા માર્ગ ખાતે રહેતાં ૭૬ વર્ષનાં આશા કારિયાના પતિ દિનેશભાઈને ૧૦થી ૧૭ એપ્રિલ દરમ્યાન હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા ત્યારે અજાણ્યા ચોરે કૅશ રૂપિયા અને દાગીના મળીને ૧ કરોડ ૩૮ લાખ રૂપિયાની મતા ચોરી કરી હતી. એની ફરિયાદ નોંધાવ્યા બાદ મુલુંડ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી કૅમેરા તપાસતાં ૧૫ એપ્રિલે દિનેશભાઈ માટે રાખેલો કૅર ટેકર અમિત વામણે બિલ્ડિંગમાં જતો દેખાયો હતો. એ પછી તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. એ ચોરી માટે બિલ્ડિંગના વૉચમૅને પણ તેને મદદ કરી હોવાનું સ્વીકાર્યું હતું. ચોરેલા દાગીના અને રોકડ રૂપિયા તેણે પોતાના સંબંધીના ઘરે રાખ્યા હતા ત્યાંથી પોલીસે એ જપ્ત કર્યા છે.
મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયરઅધિકારીએ કહ્યું હતું કે ચોરીની ફરિયાદ અમે નોંધી હતી. તપાસ દરમ્યાન બિલ્ડિંગના સીસીટીવી કૅમેરા તેમ જ ફરિયાદીના ઘરે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં, જેમાં અમને આરોપી અમિત દેખાયો હતો. તેની અટક કરી પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી છેલ્લાં ૬ વર્ષથી અહીં કામ કરતો હતો અને છેલ્લા આઠ-દસ મહિનાથી ચોરીનો પ્લાન તૈયાર કરી રહ્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે તેને નવું ઘર ખરીદવું હતું એટલા માટે તેણે ચોરી કરી હતી.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w