મોબાઈલ સિમકાર્ડ કંપનીઓના ડીલરો અને સબ-ડીલરો દ્વારા પોતાનો જ ફોટો અલગ અલગ વેશભૂષામાં અને એન્ગલમાં પડાવીને તેમની પાસે ઉપલબ્ધ ગ્રાહકોના આધારકાર્ડમાં ચોંટાડી સિમકાર્ડ કંપની પાસેથી સિમ એક્ટિવ કરાવી વેચી માર્યા હોવાનું મહાકૌભાંડ બહાર આવ્યું છે. સાઈબર ગુનાખોરી, આર્થિક ગુનાખોરી, બોગસ કોલ સેન્ટરમાં આ કાર્ડ વપરાયાં છે. આ રીતે દેશભરમાં સક્રિય આ ઠગોએ મુંબઈ સહિત દેશભરમાં 30 લાખથી વધુ સિમકાર્ડ જારી કર્યા હોવાનું બહાર આવ્યું છે. તેમણે સાઈબર ગુનેગારોને પણ સિમકાર્ડ પૂરાં પાડ્યાં હોવાની શંકા છે.
દૂરસંચાર વિભાગની તપાસમાં ઉક્ત પદ્ધતિથી લાખ્ખો સિમકાર્ડ જારી કરાયાં છે એવી માહિતી બહાર આવી હતી. આથી સૌપ્રથમ મુંબઈમાં મલબાર હિલમાં રાજભવનની બાજુમાં જ ઉમર મોબાઈલ નામે હાટડી માંડીને બેઠેલા વોડાફોનના સેલ્સમેન મહંમદ ફરીદ મન્સૂરીને પોલીસે આંતરતાં તેણે અલગ અલગ વેશભૂષામાં 684 ફોટો પડાવ્યા હતા, જેમાં કોઈકમાં દાઢી- મૂછવાળો, દાઢી કે મૂછ વિનાનો એમ અલગ અલગ ફોટો બનાવ્યા હતા.
તે ફોટો અલગ અલગ ગ્રાહકોના તેની પાસે ઉપલબ્ધ આધારકાર્ડ પર ચોંટાડીને કંપની પાસેથી સિમકાર્ડ એક્ટિવ કરાવી લીધાં હતાં અને જરૂરી દસ્તાવેજો નહીં હોય, ખોટાં કામો કરનારા હોય, સાઈબર ગુનેગારો હોય તેમને વેચી માર્યા હતા એવું બહાર આવ્યું હતું, એમ જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણે જણાવ્યું હતું.આ એક કાર્ડ તેમને કંપની પાસે રૂ. 200માં પડતું, જે ગ્રાહકને તેઓ રૂ. 500-600માં વેચી દેતા હતા. ઉપરાંત કંપની પાસેથી ગ્રાહક દીઠ તેમને કમિશન પણ મળતું હતું.
આ જ રીતે વી પી રોડમાં એક ડીલરે 368 બોગસ સિમકાર્ડ વેચ્યા, ડી બી માર્ગમાં બે ડીલરે 339 સિમ, સહારમાં 4 ડીલરે 469, બાંગુરનગરમાં પાંચ ડીલરે 327 કાર્ડ જારી કર્યાં છે. કુલ 13 આરોપીએ 2197 કાર્ડ વેચ્યાં હોવાનું બહાર આવ્યું છે.આ રીતે એકલા મુંબઈમાં 8500 કાર્ડ જારી થયાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વાસ્તવમાં સંખ્યા લાખ્ખોમાં જઈ શકે છે. દેશમાં આ રીતે 30 લાખથી વધુ કાર્ડ જારી કરાયા છે. હજુ પણ આ રીતે અલગ અલગ સિમકાર્ડ કંપનીઓનાં કાર્ડ બોગસ દસ્તાવેજો પર એક્ટિવ કરીને વેચી મારનારા અન્યોની શોધ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું.
સાઈબર ગુનાખોરીમાં ઉપયોગ
આ રીતે બોગસ સિમકાર્ડનો સાઈબર ગુનાખોરીમાં અને આર્થિક ગુના કરવા માટે ઉપયોગ થતો હોવાનું જણાયું છે. ઉપરાંત મીરા રોડ ખાતે હાલમાં બોગસ કોલ સેન્ટર પકડાયું તેમાં પણ આવાં જ કાર્ડ વપરાયાં હતાં. ધરપકડ કરાયેલા 13 જણ અલગ અલગ મોબાઈલ સિમકાર્ડ કંપનીના પ્રતિનિધિ છે. તેમનું એકબીજા સાથે કનેકશન નથી. તેઓ પોતાનો જ ફોટો પડાવી કમ્પ્યુટર થકી અલગ અલગ રૂપમાં અનેક ફોટો બનાવી પ્રાપ્ત ગ્રાહકના આધારમાં ચોંટાડીને સિમકાર્ડ કંપની પાસેથી સિમ એક્ટિવ કરાવીને છેલ્લા બે વર્ષથી કૌભાંડ ચલાવતા હતા. દેશભરમાં આ કૌભાંડનો રેલો પહોંચ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w