ડોંબિવલીમાં રહેતા કચ્છી વિશા ઓસવાળ સમાજના 19 વર્ષના કિશોર જ. ગોગરીનું ચાલતી ટ્રેનમાંથી પડી જતાં મોત થયું હતું. જય બ્લાઉઝની ડિલિવરીનું કામ પૂરું કરીને પાછો આવ્યા પછી ઘરે આવીને બપોરનું ભોજન કરીશ એવું કહીને લોકલ ટ્રેનમાં ડોંબિવલીથી દાદરની ફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. કાંજુરમાર્ગ સ્ટેશન પાસે અચાનક ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ભેટ્યો હતો. સોમવારે બનેલી આ ઘટના પછી અંતિમવિધિ મોડી રાત્રે પાર પડી હતી. પ્રાર્થનાસભા મંગળવારે યોજાઈ હતી. આ ઘટનાની જાણ થતાં કવિઓ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
કચ્છના નાગલપુર અને હાલ ડોંબિવલી પૂર્વમાં છોટુસિંગ એપાર્ટમેન્ટમાં રહેતો જય ડોંબિવલીમાં એક કચ્છીની બ્લાઉઝની રિટેઈલ દુકાનમાં કામ કરતો હતો. તે દાદર વિસ્તારમાં એક ગ્રાહકના બ્લાઉઝની ડિલિવરી કરવા માટે ડોંબિવલીથી બપોરે એક વાગ્યાની આસપાસ સેન્ટ્રલ રેલવેની લોકલ ફાસ્ટ ટ્રેનમાં દાદર જઇ રહ્યો હતો. તે સમયે કાંજુરમાંર્ગ સ્ટેશન પાસે તે પડી ગયો હતો. કુર્લા રેલવે પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ ઘટનામાં એડીઆર નોંધીને રાજાવાડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા પછી સોમવારે રાત્રે મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
જયના કઝીન કાકા મનીષ ગોગરીએ આ અંગે જણાવ્યું હતું કે, જયના પિતા નરેશ ગોગરી અને તેમનો મોટો ભાઈ શૈલેષ ગોગરી એક ખાનગી શોપમાં કામ કરે છે. જય ગોગરી હજુ 3 મહિના પહેલાં જ અધૂરો અભ્યાસ છોડીને નોકરી પર લાગ્યો હતો. જયના ખિસ્સામાં તેના પિતાનો મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો હતો, એથી પોલીસે જાણ કર્યા પછી પરિવારજનોને અકસ્માત વિશે જાણ થઇ હતી. જયના પિતાનું હજુ 4 દિવસ પહેલાં જ પગનું ઓપરેશન કરાયું છે. જયના અકાળે મૃત્યુને લીધે પરિવાર પર મોટી આફત આવી પડી છે. પરિવારજનોનુ માનવું છે કે, બપોરના સમયે લોકલ ટ્રેનમાં ગિરદી નહીં હોવા છતાં જય કઇ રીતે પડી ગયો? જયના માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz