ભિવંડી ગ્રામીણમાં માનકોલી ખાતે વર્ધમાન કમ્પાઉન્ડ, વળપાડા, દાપોડા માર્ગ ખાતે ભોંયતળિયું વત્તા ત્રણ માળની મે. એમઆરકે ફૂડ્સની આશરે 10 વર્ષ જૂની ઈમારત શનિવારે બપોરે 1.45 વાગ્યે ધરાશાયી થઈ તેમાં મરણાંક વધીને આઠ થયો છે.સડસડાટ 45 કલાક બચાવ કામગીરી ચાલી હતી, જે સોમવારે સવારે પૂર્ણ થઈ હતી. કાટમાળ હેઠળથી 18 જણને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી આઠ મૃત છે, જ્યારે 10 જણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન આ દુર્ઘટનામાં પોલીસે બિલ્ડર ઈન્દ્રપાલ પાટીલની ધરપકડ કરી હતી.
તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304 (2) (સદોષ મનુષ્યવધ), 337 (બેદરકારીથી માનવી જીવનને ઈજા પહોંચાડવી અને ખતરામાં મૂકવું), 338 (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) અને 42 (પોતાની માહિતી છુપાવવી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટીલે 2014માં આ ઈમારત બાંધી હતી, જે પછી દુકાનદારો અને રહેવાસીઓને રૂમ ભાડે આપ્યા હતા.
આ ઈમારતમાં ભોંયતળિયું અને પહેલો માળ એક ખાદ્ય કંપનીને ભાડે આપવામાં આવ્યો હતો, બીજા અને ત્રીજા માળ પર રહેવાસીઓના રૂમ હતા, જેઓ ભાડા પર રહેતા હતા. ઉપરના બે માળમાં 27થી 30 રૂમ હતા. આંચકાજનક વાત એ છે કે ઈમારત કમજોર હોવા છતાં તેની પર મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો, જેને લીધે ઈમારત પર વધુ ભાર આવીને તે ધરાશાયી થઈ હતી. અગ્નિશમન દળ, એનડીઆરએફ, પોલીસ, મહાપાલિકાના કર્મચારીઓ, થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના કર્મચારીઓ યુદ્ધને ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી પાર પાડી હતી. દુર્ઘટના બની તે સમયે ઈમારતના ગોદામમાં માલ ખાલી કરવા આવેલા એક કન્ટેઈનર અને બે ટેમ્પો પણ કાટમાળમાં દટાઈ ગયા હતા.
દરમિયાન સુનીલ પિસા (38) નામે એક રહેવાસી 20 ફૂટ દીવાલની નીચે અટકી ગયો હતો, જેથી તેનો અવાજ કોઈને સંભળાતો નહોતો. આથી તેણે જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ તેના સદનસીબે એનડીઆરએફના એક જવાને તેનો અવાજ સાંભળતાં જ તેને રવિવારે સવારે 8.00 વાગ્યે 20 કલાક બાદ જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો.થાણે મહાપાલિકા પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન કક્ષના પ્રમુખ અવિનાશ સાવંતે જણાવ્યું કે આ દુર્ઘટનામાં પ્રેમ રવિકુમાર મહતો (7) અને તેના ભાઈ પ્રિન્સે (5) માતા લલિતા દેવી (26)ને ગુમાવી દીધી છે.
ઈમારત 10 વર્ષ જૂની જ હતી, પરંતુ તાજેતરમાં ટોચ પર મોબાઈલ ટાવર ગોઠવવામાં આવ્યો તેનો ભાર ઈમારત ઝીલી નહીં શકી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિથી જણાય છે.મૃતકોમાં સોના મુકેશ કોરી (4.5 વર્ષ), નવનાથ સાવંત (40), લક્ષ્મીદેવી મહાતો (26), સુધાકર ગવઈ (34), પ્રવીણ ચૌધરી (22) અને ત્રિવેણી યાદવ (40) વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે 14 જણ સારવાર હેઠળ છે.
મૃતકના સંબંધીઓને રૂ. 5 લાખ
દરમિયાન મુખ્ય મંત્રી એકનાથ શિંદે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે મૃતકના સંબંધીઓને પાંચ- પાંચ લાખ રૂપિયા તુરંત મુખ્ય મંત્રી સહાયતા ભંડોળમાંથી આપવાના નિર્દેશ આપ્યા હતા. ઘાયલો પર સરકારી ખર્ચે તબીબી ઉપચારની પણ ઘોષણા કરી હતી. પોલીસ, અગ્નિશમન દળ, મહાપાલિકા, એનડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને અન્ય બચાવ ટુકડીઓ બચાવકાર્ય વ્યવસ્થિત પાર પાડે અને ઘાયલોને તુરંત હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવે એવી ઘોષણા શિંદેએ કરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w