મુલુંડમાં ઘર અપાવવાના બહાને ૬૭ લાખ ૫૦ હજારની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભે નવઘર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવઘર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ૫૧ વર્ષીય હર્ષદા રાજેન્દ્ર રહાટે મુલુંડના રહેવાસી છે. થોડા વર્ષો પહેલા હર્ષદાની ઓળખ જ્યોતિ ખામકર સાથે થઈ હતી. હર્ષદાએ જ્યોતિને કહ્યું કે તે મુલુંડ પૂર્વમાં જ એક ઘર ખરીદવાનું વિચારી રહી છે. ત્યારબાદ જ્યોતિએ આરોપી પરશુરામ રામાશ્રય સિંહ અને વિજય નામના વ્યક્તિ સાથે હર્ષદા અને તેના પતિ રાજેન્દ્રની ઓળખાણ કરાવી હતી. વિજયે હર્ષદાને કહ્યું કે તેને તેનું ઘર વેચવું છે. જેને તે ૬૭ લાખ ૫૦ હજાર રૂપિયામાં વેચશે. હર્ષદા અને તેના પતિ આ ઘર લેવા સંમત થયા અને વિજયે પરશુરામને એડવાન્સ તરીકે ૧૫ લાખ રૂપિયા આપવાનું કહેલ. હર્ષદાએ વિજયને કહ્યું કે તે એમઓયુ વિના પૈસા ટ્રાન્સફર કરશે નહીં, જો કે, પાછળથી વિજયની વાતોમાં ભોળવાઇને હર્ષદાએ પરશુરામને ૧૫ લાખ રૂપિયા આપી દીધા હતાં.
થોડા મહિના પછી વિજયે ફરી હર્ષદાને કહ્યું કે પરશુરામને ૩ લાખ રૂપિયાની જરૂર છે. જે તે ઘરની રકમમાંથી બાદ કરી આપશે. દરેક વખતે વિજય અને પરશુરામ અલગ-અલગ બહાના કરીને હર્ષદા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યાં હતાં. થોડા મહિના પછી જ્યારે હર્ષદા પરશુરામના ઘરે પહોંચી ત્યારે હર્ષદાએ જોયું કે તેના ઘરે તાળું હતું અને પડોશીઓ સાથે વાત કર્યા પછી ખબર પડી કે પરશુરામે અન્ય નાગરિકો સાથે પણ આ જ રીતે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. જેના બાદ હર્ષદાએ નવઘર પોલીસ સ્ટેશન જઈને ઘટનાની જાણ કરી અને કેસ નોંધાવ્યો હતો. હાલમાં નવઘર પોલીસ વિજયની વધુ પૂછપરછ કરી રહી છે, જ્યારે પરશુરામની શોધ ચાલી રહી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz