કેસના ચુકાદા એમએમઆરડીએની તરફેણમાં આવતા પ્રકલ્પના કામની ઝડપ વધી
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે શરૂ કરેલ વડાલા-ઘાટકોપર-થાણે-કાસારવડવલી મેટ્રો-4નું અત્યાર સુધી 49 ટકા કામ પૂરું થયું છે. એ સાથે જ કોર્ટે બે કેસના ચુકાદા એમએમઆરડીએની તરફેણમાં આપતા ગોકળગાયની ગતિથી થઈ રહેલું પ્રકલ્પનું કામ હવે ઝડપી થશે એવો દાવો એમએમઆરડીએએ કર્યો છે.
મુંબઈ અને થાણે બંને શહેરને નજીક લાવવા માટે એમએમઆરડીએએ 32.32 કિલોમીટર લાંબો મેટ્રો-4 રૂટ બાંધવાનો નિર્ણય લીધો હતો. લગભગ 14 હજાર 549 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ માર્ગના કામની શરૂઆત 2019માં કરવામાં આવી. જોકે અત્યાર સુધી આ માર્ગનું કામ ફક્ત 49 ટકા પૂરું થયું છે. કોરોનાના કારણે લાગુ થયેલું લોકડાઉન, સખત પ્રતિબંધનો ફટકો મેટ્રો-4ને પડવાથી પ્રકલ્પમાં વિલંબ થયો છે. તેમ જ કોર્ટમાં ચાલુ કેસના કારણે કામ ઠંડુ પડ્યું હતું. ઈન્ડો નિપ્પોન કેલિકમ કંપનીએ 2018માં અને યશવંત સહકારી ગૃહનિર્માણ સંસ્થાએ 2019માં આ પ્રકલ્પ વિરુદ્ધ મુંબઈ હાઈ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.
મેટ્રો-4ના કારણે પોતાની માલમતાનું નુકસાન થઈ રહ્યું છે. આ માર્ગની રૂપરેખામાં ભૂસંપાદન અને બીજી બાબતોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેથી આ સંપૂર્ણ માર્ગનું કામ બંધ કરવાની માગણી અરજીમાં કરવામાં આવી હતી. એ સાથે જ 301 કરોડ રૂપિયાનું નુકસાન વળતર આપવાની માગણી પણ અરજદારે કરી હતી. તાજેતરમાં આ અરજી ફગાવીને કોર્ટે એમએમઆરડીએની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેથી હવે મેટ્રો-4નું કામ ઝડપથી થઈ શકશે એવો વિશ્વાસ મહાનગર આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસે વ્યક્ત કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w