પોલીસના જણાવ્યા મુજબ માહિમ, ડોમ્બિવલી, ભાંડુપમાં કંપનીની ઓફિસ હતી.
મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ કોન્કન્સમાર્ટ શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરી છે. ઉચ્ચ વળતરની લાલચ આપીને બાવન રોકાણકાર સાથે રૃા. ૨.૭૭ કરોડની છેતરપિંડી કરવાનો સંચાલક પર આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ માહિમ, ડોમ્બિવલી, ભાંડુપમાં કંપનીની ઓફિસ હતી. આરોપીએ આ વિસ્તારના રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે.
કંપનીએ જાહેરાત દ્વારા દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ એક લાખ રૃપિયાનું રોકાણ કરીને દસ વર્ષમાં રૃા. એક કરોડની કમાણી કરી છે. આ સિવાય ૧૦ હજાર લોકોને પેેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. કંપનીએ રોકાણ પર ૩૦થી ૭૦ ટકા વળતરનું વચન આપ્યું હતું, એમ એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. રોકાણકારોનો વિશ્વાસ મેળવવા આરોપી ભાષણ આપતા હતા. તેમણે રોકાણકારને આકર્ષવા માટે તેમના ભાષણને યુટયુબ પર અપલોડ કરવાનું શરૃ કર્યું હતું. એમ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ સાથે કંપનીની અન્ય સંચાલક પલ્લવી આંગણેની ભુમિકાની પણ તપાસણી કરવામાં આવી રહી છે, એમ પોલીસે કહ્યું હતું. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) દ્વારા એપ્રિલ, ૨૦૨૨માં જરૃરી નિયમોનું પાલન ન કરવા બદલ ડીલિસ્ટ કરવામાં આવી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોની સંખ્યા વધવાની શક્યતા છે. કંપનીમાં બે હજારથી વધુ લોકોએ રોકાણ કર્યું હોવાનું કહેવાય છે.
સેમિનારમાં ઓલ્ડ ઈઝ ગોલ્ડ સ્કિમના આંબાઆંબલી બતાવ્યા
આ મામલામાં ફરિયાદી અશોક કાંબળે (ઉં.વ.૬૫)એ ભાંડુપ પોલીસનો સંપર્ક કર્યો હતો. કાંબળેએ જણાવ્યું હતું કે દહીજે નામના મિત્રએ મને કંપનીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યો હતો. આ ફર્મ દર વર્ષે ૭૦ ટકા વળતર આપતી હતી. દહિજેએ કાંબળેને કંપનીની ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ સ્કીમ સંબંધિત સંચાલકની કેટલીક યુટયુબ લિંક્સ બતાવી હતી. ત્યારબાદ કાંબળે એ કંપનીની ઓફિસમાં ગયા હતા. અન્ય લોકો સાથે સેમિનારમાં હાજરી આપી હતી. દરમિયાન આરોપી પ્રશાંત આંગણેએ દાવો કર્યો હતો કે તેને શેરબજારમાં ટ્રેડિંગનો સારો અનુભવ છે. તેણે કરોડો રૃપિયાની કમાણી કરી છે અને તેના રોકાણકારોને સારો નફો આપ્યો છે.
આ સાથે સેમિનારમાં સાત સ્કીમની માહિતી આપવામાં આવી હતી. પછી કાંબળેએ જૂન ૨૦૨૧માં એક સ્કીમમાં રૃા. ૩.૫ લાખનું રોકાણ કર્યું હતું તેને ૩૫ ટકા નફો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ કંપની અડચણમાં હોવાથી કાંબળેને કોઇ વળતર મળ્યું ન હતું. ત્યાર પછી આંગણેએ ફેબુ્રઆરી, ૨૦૨૨માં રોકાણકારોની બેઠક બોલાવી અને દરેકને તેમના પર વિશ્વાસ કરવા કહ્યું હતું.
પૈસા પાછા ન મળતા અશોક કાંબળેએ ગત જાન્યુઆરીમાં ભાંડુપ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w