મુંબઈમાં ‘બેસ્ટ’ ઉપક્રમની બસોના અકસ્માતમાં બાઈકસવાર, રાહદારીઓ સાથે ક્યારેક પ્રવાસીઓએ પણ જીવ ગુમાવવાનો વારો આવે છે. ગત આઠ વર્ષમાં બેસ્ટ બસના ૧૩૪ જીવલેણ અકસ્માતમાં ૧૩૭ જણના મૃત્યુ થયાં હોવાની માહિતી સામે આવી છે. જોકે ઈ.સ.૨૦૧૫-૧૬ની તુલનાએ ૨૦૨૨-૨૩માં અકસ્માત, મૃત્યુ અને ઘાયલોની સંખ્યામાં ઘટાડો થયો છે.
રેલવે બાદ મુંબઈની લાઈફલાઈન તરીકે બેસ્ટને જોવામાં આવે છે. બેસ્ટના દૈનિક પ્રવાસીઓની સંખ્યા ૩૫ લાખ જેટલી થઈ છે. આ પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારની બસો અને તેમની સંખ્યા પણ વધારવાના પ્રયાસો બેસ્ટ પ્રશાસન વતી થઈ રહ્યાં છે. વિવિધ યોજના દ્વારા પ્રવાસીઓને લાભ કરાવવા ઈચ્છુક બેસ્ટનું શૂન્ય અકસ્માતનું લક્ષ્ય હોવા છતાં અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. તે પાછળ ડ્રાઈવર દ્વારા વધુ ઝડપે બસ ચલાવવી, ઓવરટેક કરવું, ફોનમાં વાત કરવી જેવા અનેક કારણો જવાબદાર છે. આવા કિસ્સામાં થતાં અકસ્માતમાં ઘણીવાર ચાલક, પ્રવાસી કે રાહદારીઓનો જીવ પણ જાય છે.
બેસ્ટ પ્રશાસને આપેલી માહિતીનુસાર, ૨૦૧૫-૧૬થી ૨૦૨૨-૨૩ના આઠ વર્ષમાં કુલ ૧૩૪ જીવલેણ અકસ્માતો થયાં છે. જેમાં ૧૩૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૨૦૧૫-૧૬માં ૨૯ અકસ્માતમાં ૩૧ જણના મોત તો ત્યારબાદ સર્વાધિક અકસ્માત ૨૦૧૮-૧૯માં થયાં, જેમાં ૨૩ અકસ્માતમાં ૨૩ જણ મૃત્યુ પામ્યાં. વચ્ચેના બે વર્ષમાં પણ સરેરાશ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા કાયમ રહી હતી. ત્યારબાદ અકસ્માતમાં ઘટાડો થવા લાગ્યો અને ૨૦૨૧-૨૨માં નવ અકસ્માતમાં નવ જણના તો ૨૦૨૨-૨૩માં આઠ અકસ્માતમાં આઠ મૃત્યુ થયાં છે. આઠ વર્ષમાં ૧,૪૦૫ અકસ્માતમાં ૧,૦૬૮ જણ ઘાયલ થયાંની માહિતી મળી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz